શ્રી નાના બાર ગોળ સમાજના તમામ સભ્યો જોગ
શ્રી નાના બાર ગોળ સમાજ તથા ઉત્કર્ષ મંડળના હોદ્દેદારશ્રીઓ, મહિલા મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ સમાજ અને ઉત્કર્ષ મંડળના કારોબારી સભ્યશ્રીઓની તારીખ ૧૮-૦૨-૨૦૨૪ના રોજ કોમ્યુનિટી હોલ, ઊંઝા ખાતે મળેલ મિટીંગમાં સમાજના સભ્યોના હિતમાં આરોગ્ય નિધી ફંડ એકત્ર કરવા માટે મહત્વનો નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો જે સભ્યોની જાણ માટે.
ઉદ્દેશ
આજના સાંપ્રતકાળમાં કીડની, હૃદય, ફેફસાં, લીવર વિ. જેવાં શરીરનાં મહત્વનાં અંગો બદલવાના કે કેન્સર જેવી ગંભીર અને લાંબા સમય માટેની બિમારી પ્રસંગે સમાજના સભ્યોને થતા ગજા-બહારના ડૉકટરી સારવારના ખર્ચમાં સમાજના સભાસદો અને તેમના કુટુમ્બીજનોને આર્થિક સહાય કરીને રાહત આપવા પ્રયાસ કરવા માટે સમાજના સભાસદો પાસેથી બિન વ્યાજુ ડીપોઝીટ એકત્ર કરી, તેનો સક્ષમ વહીવટ કરીને સમાજના સભ્યોને મદદરૂપ થવું.
નિયમો
- ઉપરોક્ત ઉદ્દેશ પાર પાડવા માટે સમાજના સભ્યો પાસેથી વગર વ્યાજની ડીપોઝીટ એકત્ર કરવાની રહેશે.
- એકત્ર થયેલ ભંડોળનો વહીવટ આરોગ્ય નિધીના દાતાશ્રીઓ કરશે જેનો હિસાબ અલગથી રાખવામાં આવશે. તેમજ શ્રી નાના બાર ગોળ સમાજ ઉત્કર્ષ મંડળના માધ્યમથી બેન્ક ખાતુ ખોલાવી ફંડની રકમની FDR કરાવીને ઉત્પન્ન થતા વ્યાજની રકમ ઉપરોક્ત ઉદ્દેશ માટે વાપરવાની રહેશે. ઉપરોક્ત ઉદ્દેશોની પૂર્તિ માટે કોઈપણ સંજોગોમાં નિધીની (ડીપોઝીટની) રકમ વાપરવાની નથી.
- આરોગ્ય નિધીની વગર વ્યાજની ડીપોઝીટ ઓછામાં ઓછા રૂા. ૨.૫ કરોડ એકત્ર કરવામાં / નોંધવામાં આવશે. જો આરોગ્ય નિધીની રકમની નોંધણી રૂા. ૨.૫ કરોડથી ઓછી રહેશે તો આ યોજના બંધ કરીને મળેલ ફંડ પરત કરવાનું રહેશે તેમજ નોંધાયેલ ડીપોઝીટનો ફાળો રદ-બાતલ ગણાશે અને બાદમાં તેની ઉઘરાણી સમાજના સભ્યો પાસેથી કરી શકાશે નહી. આરોગ્ય નિધી ફંડ નોંધણીનો તા. 31/12/2024 સુધીમાં લક્ષ્યાંક પુરો થશે તો યોજનાની અમલ તારીખ 01/01/2025 થી શરૂ થયેલ ગણવામાં આવશે. કોઈ સંજોગોમાં લક્ષ્યાંક મોડેથી પુરો થાય તો તે લક્ષ્યાંક પુરો થયેથી યોજનાનો અમલ શરૂ થયેલ ગણાશે.
- આરોગ્યનિધી યોજના કોઈ સંજોગોમાં સળંગ બે વર્ષ માટે કામ કરશે નહીં અગર બંધ રહેશે તો સમાજના સભાસદો પાસેથી મેળવેલ બિન-વ્યાજુ ડીપોઝીટ તથા તેના ઉપર નિષ્ક્રીય સમયનું પાકેલ વ્યાજ, બિન-વ્યાજુ ડીપોઝીટ આપનાર સભાસદને તેમની ડીપોઝીટની રકમના પ્રમાણમાં પરત કરવાની રહેશે.
- . આરોગ્યનિધીને મળતી દરેક બિન/વ્યાજુ ડીપોઝીટની રકમની પાકી પહોંચ આપવાની રહેશે. તેમજ આરોગ્ય નિધીના હિસાબો આપણા રજી. ટ્રસ્ટ શ્રી નાના બાર ગોળ સમાજ ઉત્કર્ષ મંડળમાં સમાવિષ્ટ કરવના રહેશે.
- આરોગ્ય નિધીમાં બિન-વ્યાજુ ડીપોઝીટ તરીકે નોંધાયેલ રકમ ચાર સરખા વાર્ષિક હપ્તામાં આપવાની રહેશે જેનો પ્રથમ હપ્તો જાન્યુઆરી -2025 ના રહેશે.
- આરોગ્ય નિધીનો વહીવટ કરવા માટે રૂા. ૧ લાખ અને તેથી વધુ ડીપોઝીટ આપનાર સભ્યો આજીવન કારોબારી સભ્યો ગણાશે. કારોબારી સભ્યોની મિટીંગમાંથી વહીવટી સમિતિની રચના કરાશે જેમાં ૯ સભ્યોની કારોબારી સમિતિના સભ્યો નિમણૂંક/ચૂંટણી કરશે બાકી હોદાની રૂએ સમાજના પ્રમુખશ્રી તથા ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી વહીવટી સમિતિના સભ્યપદે રહેશે.
વહીવટી સમિતિ પોતાના સભ્યોમાંથી આરોગ્ય નિધીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કોષાધ્યક્ષશ્રીની નિમણુંક કરશે, જેઓ ફંડના રોકાણો અને બેન્કીંગ વ્યવહારો અંગેના નિર્ણય કરશે તેમજ સમાજના સભ્યોની મેડીકલ સારવાર ખર્ચ-સહાયની અરજીઓ ચકાસીને મંજૂર/ના મંજૂર કે સહાયની રકમ અંગે નિર્ણય કરીને ચેકથી ચૂકવણી કરશે. વહીવટી સમિતિના નિર્ણય સામે કોઈ અપીલ કે દલીલ કરી શકાશે નહી.
વહીવટી સમિતિ તમામ જરૂરી હિસાબી સાહિત્ય, રજીસ્ટરો તેમજ મિટીંગની કાર્યવાહીની નોંધ રાખશે તેમજ હિસાબી સાહિત્ય વાર્ષિક ઓડીટ માટે ઓડિટર સમક્ષ રજુ કરશે. વહીવટી સમિતિની મુદત ત્રણ વર્ષની રહેશે. દર ત્રણ વર્ષે કારોબારી સભા વહીવટી સમિતિએ બોલાવવાની રહેશે જેમાં ત્રણ વર્ષની કામગીરીનો અહેવાલ રજુ કરીને મંજૂર કરાવશે. તેમજ જરૂરત મુજબ નિયમોમાં ફેરફાર કરીને મંજૂર કરાવશે તેમજ વહીવટી સમિતિના ૯ સભ્યોની ચૂંટણી / નિમણુંક બીજા ત્રણ વર્ષ માટે બહુમતિ અગર સર્વસંમતિથી કરશે.
આરોગ્ય નિધી સહાય ચૂકવવા માટેના નિયમો
- સમાજના સભ્ય કે જેના સભ્યપદને બે વર્ષ પૂર્ણ થયા હોય અને બિમારી પ્રસંગે હોસ્પિટલમાં ૪૮ કલાક કે તેથી વધુ સમય માટે સારવાર લેવામાં આવી તેવા સભાસદ આરોગ્ય નિધી ફંડની સહાયને પાત્ર ગણાશે.
- આરોગ્ય નિધી સહાય ફક્ત સમાજના સભાસદોને જ મળી શકશે. સભાસદોના કુટુમ્બીજનો આરોગ્ય નિધી સહાયને પાત્ર ગણાશે.
- જે સભાસદ તેની બિમારી પ્રસંગે “મા કાર્ડ”, “મા અમૃત કાર્ડ” કે તેના જેવી અન્ય સરકારી યોજનાઓનો લાભ લીધેલ હશે તે સભાસદ આરોગ્ય નિધી સહાયને પાત્ર ગણાશે નહીં, પરંતુ તેઓએ આવી સરકારી યોજનામાં મળતા લાભથી વધુ ખર્ચ સારવાર માટે કરેલ હશે તો સરવાર માટેની ખર્ચેલ વધારાની રકમ આરોગ્ય નિધી સહાયને પાત્ર ગણાશે.
- મેડીકલેઈમ કે ફેમીલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી વિમાની યોજના તળે જે સભાસદે વીમા ફાં.માંથી ખર્ચનો ક્લેઈમ મેળવેલ હશે તેને આરોગ્ય નિધી સહાયનો લાભ મળશે નહીં, પરંતુ આવા સભાસદને હોસ્પિટલના મળવાપાત્ર કુલ ખર્ચમાંથી વીમા કહ્યું. એ ચૂકવેલ ખર્ચની રકમ
બાદ કરીને બાકી રકમ આરોગ્ય નિધી સહાયને પાત્ર ગણાશે. - સરકારી કે બિન સરકારી કર્મચારીઓ સેવામાં ચાલુ હોય કે નિવૃત્ત હોય, તેઓને સરકારશ્રી કે નોકરી-દાતા સંસ્થા તરફથી માંદગીની મેડીકલ સહાય મળેલ હશે, કે મળવાપાત્ર હશે તેટલી રકમ તેમની માંદગી કે હોસ્પીટલાઈઝેશનના કુલ ખર્ચમાંથી બાદ કરીને બાકીની ખર્ચેલ રકમ
આરોગ્ય નિધી સહાયને પાત્ર ગણાશે. ટૂંકમાં આરોગ્ય નિધી સહાય ફંડમાંથી કોઈપણ સભાસદ સહાય મેળવીને નફો કે ફાયદો કરી શકશે નહીં. સભાસદ આરોગ્ય નિધી સહાય ફંડની સ્થાપના કરવાનો હેતુ/આશય સભાસદની ગંભીર અને લાંબી બિમારી પ્રસંગે આર્થિકરૂપે મદદરૂપ થવાનો છે.
શ્રી ઉત્કર્ષ કો.ઓ. ક્રેડીટ સોસાયટીમાંથી મળેલા કે મળવાપાત્ર ”સભાસદ વૈદકીય સહાય ફંડ”ની રકમ સમાજની આરોગ્ય નિધી ફંડની સહાય પાત્રતા માટે બાદ કરવામાં આવશે નહીં. - આરોગ્ય નિધી સહાય મેળવવા ગેરરીતી આચરનાર સભાસદને આરોગ્ય નિધી સહાય માટે કાયમ માટે બ્લેક લીસ્ટ કરવામાં આવશે. વધુમાં સામાન્ય સભાના ઠરાવથી સમાજના સભ્યપદેથી ફારેગ કરી શકાશે.
- સભાસદોને બિમારી પ્રસંગે ખર્ચેલ રકમ (હોસ્પિટલના બીલની મળવા પાત્ર રકમ)ના ૨૫% રકમ સહાય તરીકે નિયમ નં. ૩-૪-૫ ને ધ્યાને લઈને થતી ચૂકવવા પાત્ર રકમ અગર વધુમાં વધુ રૂા. ૫૦,૦૦૦/- કે બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ ચૂકવી આપવાની રહેશે.
- આરોગ્ય નિધી સહાય ફંડમાંથી સભાસદને સહાય આપવાની મુદત ત્રણ વર્ષની છે એટલે કે એક વખત સહાયની રકમ મળ્યા બાદ ફરીથી તેજ સભાસદને સહાયની રકમ ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ મળવાપાત્ર થશે. આમાં સભાસદ તરીકે કુટુમ્બની વ્યક્તિ ગણવાની છે.
- આરોગ્ય નિધી સહાય ફંડમાંથી ચૂકવેલ રકમની વિગતવાર નોંધનું કાયમી રજીસ્ટર રાખવાનું રહેશે. અને તેમાં ચૂકવેલ રકમ તથા આરોગ્ય નિધી સહાયની રકમની ગણત્રીની નોંધ વિગતવાર રાખવાની રહેશે. તેમજ સભ્યને થયેલ ખર્ચના બીલોની ઝેરોક્ષ કોપી તથા અન્ય દસ્તાવેજી પુરાવાના કાગળોની ફાઈલ રાખવાની રહેશે.
- આરોગ્ય નિધી સહાય મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી સાથે હોસ્પિટલનું અસલ બીલ, ઝેરોક્ષ કોપી સાથે તથા અન્ય દસ્તાવેજો જો હોય તો સાથે આપાવના રહેશે. જેની વિગતોની ચકાસણી કરી વહીવટી સમિતિ આરોગ્ય નિધી સહાયની ચૂકવવા પાત્ર રકમ નક્કી કરશે અને તે મુજબ ચૂકવણું ચેકથી કરવામાં આવશે.
- આરોગ્ય નિધી સહાય ફંડના નિયમોમાં વહીવટી સમિતિ વખતોવખત પરિસ્થિતિને અનુલક્ષીને સુધારા, વધારા, ઘટાડા કરી શકશે, જે નિર્ણયો આરોગ્ય નિધી સમિતિએ કરોબારીમાં મંજૂર કરાવવાના રહેશે અને તે સમાજના તમામ સભાસદોને માન્ય અને બંધનકર્તા રહેશે.
- સ્વર્ગસ્થ વડીલના નામે દાન જાહેર કરવામાં આવે તો તેના વારસદારો પૈકી સર્વ સંમતિથી નક્કી કરેલ ગમે તે એક જ વ્યક્તિને ડીપોઝીટ દાતા સભ્ય બનાવવામાં આવશે અને તે માટે સ્વર્ગસ્થના વારસદારસોએ સંમતિપત્ર આપવાનો રહેશે.
- આરોગ્ય નિધીનો ફાળો પુરેપુરો નોંધાઈ જાય નહી ત્યાં સુધી અને ડીપોઝીટ દાતાશ્રીઓની પ્રથમ મિટીંગમાં કારોબારી સભા તથા વહીવટી કમિટિની રચના થાય ત્યાં સુધી ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, તેમજ કોષાધ્યક્ષશ્રી વહીવટી કમિટીના કામચલાઉ (એડહોક) હોદ્દેદાર તરીકે કામ કરશે.
- આરોગ્ય નિધીમાં ડીપોઝીટ કરનાર દાતાશ્રીઓની યાદી (ગામદીઠ) સમાજમાં પ્રસિદ્ધ કરવામાં
આવશે. જે ભાવી તથા વર્તમાન પેઢી માટે પ્રેરણારૂપ હશે. - જે દાતાશ્રીના નામે ડીપોઝીટ જાહેર કરવામાં આવે તેમના નામની જ પાવતી બનાવવામાં આવશે અને તેજ ડીપોઝીટ દાતા સભ્ય તરીકે ગણાશે અને નિધીના વહીવટ માટે પાત્ર ગણાશે.
સમાજના સર્વે સભ્યોને ચાલુ તેમજ ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે ઉદાર દિલથી યથા શક્તિ બિન વ્યાજુ ડીપોઝીટ નોંધાવવા વિનંતી છે.
નોંધ:- આપે નોંધાવેલ બિન-વ્યાજુ ડીપોઝીટની રકમનું વ્યાજ આપના દાન તરીકે ઈશ્વરના ચોપડે જમા થશે. ધન-ધાન્યની દેવી મા ઉમિયાના આશિર્વાદ સદાયે આપના ઉપર વરસતા રહો.
શ્રી હિતેષકુમાર અમરતલાલ જાસકીયા ઊંઝા અને તેમના યુવાન સાથી મિત્રોએ બિનવ્યાજુ ડીપોઝીટ નોંધવાની કામગીરી ઉપાડેલ છે. તેમને સાથ અને સહકાર આપવા હૃદયપૂર્વકની વિનંતી.